ગુજરાતમાં ત્રાયમાણના છોડ ઘણે ઠેકાણે એ જોવા મળે છે. તેનું ફૂલ જંગલી કસુંબનાં ફૂલ જેવું, રંગે પીળું તથા ગોળ હોય છે. તેનાં પાન ભોયપાથરી જેવા જમીન ઉપર પથરાઈ ગયેલાં હોય છે. તે સ્વાદે તૂરુંને કડવું હોય છે. ત્રાયમાણ ગુણમાં કટુ-પૌષ્ટિક છે.
તે ભૂખ લગાડે છે. પિત્તનો સ્ત્રાવ કરી દસ્ત સાફ લાવે છે. પેટના વાયુને ઓછો કરવાનો તેમાં ગુણ રહેલો છે. પેટના ઝીણા દુઃખાવાને તે ઓછો કરે છે. પેશાબ સાફ લાવવા તથા પેટની ચૂંક મટાડવા માટે ત્રણમાણનો ઉપયોગ થાય છે. એ પૌષ્ટિક પણ છે. યકૃત તથા પ્લીહાનાં દર્દો માટે કાળી દ્રાક્ષ સાથે ઉકાળો કરી ત્રણ દિવસ સુધી પીવા આપવાથી પણ ઘણો ફાયદો થાય છે.
ત્રાયમાણ બે ચમચી, તાંદળજાનો રસ એક તોલો એ તમામ એકત્ર કરવું. આ ઔષધ પીવાથી સ્ત્રીનો રક્ત પ્રદર તથા પુરુષનો પ્રમેહ મટે છે. ત્રાયમાણ, કડાછાલ, સૂંઠ, ઇન્દ્રજવ, બીલીપાઠા મોથ, અતિવિષ, ઘાવડીનાં ફૂલ અને કડુ એ દરેક પા તોલો લઈ એનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ ફાકવાથી અર્શ, ગડગૂમડાં, રક્તથી ઉત્પન્ન થયેલા દર્દો ઉપરાંત પિત્તથી ઉત્પન્ન થયેલો ગ્રહણી રોગ, અર્શ વગેરે મટે છે.
આ ઉકાળો જલંદર માટે પણ વપરાય છે. છાતીના રોગો, અર્શ, ત્રિદોષ, ઊલટી જેવા વ્યાધિ મટાડવા માટે પણ વપરાય છે. તેના ઉકાળાનાં પાણીનો જવના લોટ સાથે લેપ કરવાથી સોજામાં ઘણી રાહત રહે છે. ત્રાયમાણથી જીર્ણજવર, પિત્ત રોગ, ઊલટી, કફ, તરસ અને શૂળમાં ઘણી રાહત રહે છે. એનાથી લોહી છૂટે છે. ગંધ મટાડવા પણ એનો ઉપયોગ થાય છે.
ત્રાયમાણ, કાળોવાળો, ધમાસો, કરિયાતું, કડા છાલ, પીપપાપડો અને ખતમી એ દરેક ચીજો પાંચ પાંચ ગ્રામ લઈ તેનો ઉકાળો બનાવી લેવો. આ ઉકાળો પિત્તજવરમાં મધ સાથે તેમ જ કમળા તથા જલંદરમાં ઘણો ઉપયોગી નીવડે છે. ત્રાયમાણનો કવાથ મંદાગ્નિ મટાડે છે. પેટની નબળાઈ માટે તે સારી દવા છે. એ પીડાશામક છે. હરસમાં પણ એનો ઉપયોગ થાય છે.
ત્રાયમાણ, મરી, હરડે, દલ, સંચળ, સિંધવ, દાડમાર, ધાણા અને મીંઢીઆવળ એ દરેક ચીજો દસ દસ ગ્રામ લઈ એનું બારીક ચૂર્ણ બનાવી શકાય. તેમાં ૧૦૦ ગ્રામ દ્રાક્ષ મેળવીને તેની ગોળી બનાવી શકાય. આ ગોળીના ઉપયોગથી જીર્ણજવર, વિપજવર તથા મળ બંધ ઉપર આપવાથી તે સારો ફાયદો કરે છે.