સાજીખાર એ એક જાતનાં ઝાડના પંચાંગને બાળીને બનાવવામાં આવે છે. સાજીખારના બજારમાં કાળા રંગના કટકા મળે છે. જેના પર મીઠાનો તર જામી રહેલો જોવા મળે છે. જેમ મીઠાને માટીના વાસણમાં રાખી મૂકતાં તે વાસણ પર મીઠું બાઝી જાય છે, તે જ રીતે સાજીખારના કાળા કટકા પણ મીઠાનાં તરથી ભરાઈ જાય છે. તેને ભાંગતાં અંદરથી કાળો બળી ગયેલો ભાગ નીકળે છે.
સાજીખાર રૂમી તથા મુલતાન, સિંધ પંજાબ વગેરે પ્રદેશમાંથી મળી આવે છે. તેમાં રૂમી સાજીખાર ઉત્તમ ગણાય છે. જે સાજીખાર સ્વચ્છ, કાળો અને ચળકતો હોય તે ઉત્તમ ગણાય છે. તેનો સાબુ બનાવવામાં પણ ઉપયોગ થાય છે.
સાજીખાર અને જવખાર દરેક એક તોલો, પંચલવણ પાંચ તોલા, ત્રિકટુ એક તોલો, હિંગ અને તુરંજબીન પા તોલો એ દરેકને દાડમના રસમાં ભેળવીને તેનું બારીક ચૂર્ણ કરી સૂકવી નાખવું. આ ચૂર્ણ જમ્યા પછી પા તોલો લેવાથી પેટમાં જમ્યા પછી ઉત્પન્ન થતી ચૂંક તથા ખાટા ઓડકાર આવતા હોય તે મટી જાય છે.
સાજીખાર, જવખાર, સિંધાલૂણ, સંચળ, સમુદ્રમીઠું, સૂંઠ, મરી, પીપર, હરડે, બહેડાં, આંબળા. ચિત્રક, જીરું, વાવડિંગ, અજમો, શુદ્ધ પારદ, અને શુદ્ધ ગંધક એ બધા સરખે વજને લઈ ને બધાના વજન જેટલા લીમડાનાં બીજ મેળવી જંજીરાના રસમાં ત્રણ દિવસ સારી રીતે ભેળવી ગોળી બનાવીને, આ ગોળીને યોગ્ય સેવન કરતાં અજીર્ણથી થતાં તમામ પ્રકારના રોગો મટે છે.
સાજીખાર અને નવસાર દરેક સાવ તોલો સાથે લીંબુની છાલ એક તોલો નાખી ચૂર્ણ તૈયાર કરવું આ અઢી તોલો સાકર સાથે લેવાથી પિત્તજવર અથવા થયેલો કમળો કે યકૃતની ગાંઠોમાં રાહત મળે છે. સંગ્રહણીમાં સાજીખાર, કચૂરો, સિંધવ, સૂંઠ, મરી, પીપર, ગંઠોડા, જાવખાર, અને બિજોરાનો ગર્ભ સરખા ભાગે લઈ, તેનું ચૂર્ણ અથવા ગોળીઓ બનાવીને સવારે અને સાંજે છાશ સાથે તે ગોળી લેવી. થોડા દિવસમાં જ સંગ્રહણીમાં ફાયદો લાગશે.
સાજીખાર શૂળ, વાત, કફ, કૃમિ, વાયુ તથા પેટના રોગનો નાશ કરવામાં મદદ કરે છે. સાજીખાર નો ઉપયોગ પેટની ચૂંક અને આફરો મટાડવા થાય છે. તેમજ ભૂખ પણ લગાડે છે. સાજીખારને સાત વખત પાણીમાં ઘોળી સ્વચ્છ કરીને તે પાણી પીવાથી જઠરને બળ મળે છે. એનાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે. એ ખાવાની રુચિ ઉત્પન્ન કરે છે. એ ઉલટીમાં પણ ફાયદો કરે છે. એ સોજાને પણ ઉતારે છે. સાજીખાર તથા જવખારને પાણીમાં વાટી તેની લૂગદી પાકતાં ગૂમડાં પર લગાડવાથી તે ગૂમડું તરત ફૂટી જાય છે અને રાહત મળે છે.
સાજીખાર, જવખાર, પંચલવણ, પંચકોલ, અજમોદ અને હિંગ એ દરેક સરખે વજને લઈ તેની બીજોરાના રસમાં ભેળવીને ચણા જેવડી ગોળી બનાવવી. અને સૂકવવી. આની એકથી બે ગોળી લેવાથી પેટના તમામ રોગો દૂર થાય છે તથા પાચનશક્તિને વધારી જઠરાગ્નિ દીપાવે છે.