ટેબલ કે કબાટના ખાનાઓમાં કાટ લાગ્યો હોય તો એને પહેલાં કાચ-કાગળથી ઘસી લો. પછી એના પર મીણ લગાવી દો. એનાથી એમાં કાટ નહિ લાગે અને જલદી ખૂલી પણ શકશે. દહીંવડા બનાવતી વખતે પીસેલી મગની દાળ અને અડદની દાળમાં એક ચમચો મેંદો નાંખવાથી દહીંવડા સરસ બનશે.
ટીનની ડોલમાં પાણીનો મેલ જામી ગયો હોય તો કાચ-કાગળ(કાચપેપર) થી ઘસી નાંખો. સાડી, ડ્રેસ પર ઝાંખું પડી ગયેલું સોનેરી ભરતકામ ચમકાવવા તેના ઉપર ફટકડીનો ભૂકો ઘસો. ઘરમાં કીડી બહુ નીકળતી હોય તો ત્યાં કોલસાનો ભૂકો, રાખ અથવા લાકડાનો વહેર ભભરાવો.
ત્રણ માસ બાદ ટુથબ્રશ બદલી નાંખવું અથવા બ્રશ કર્યા બાદ હુંફાળા ગરમ પાણીમાં સહેજ નમક મીઠું ઉમેરી તેમાં બ્રશ ઝબોળીને ધોઈ નાંખવું. મની વેલના કુંડામાં બરફનું પાણી અથવા ટુકડા નાંખવાથી વેલ જલદીથી વધશે.
માંકડ હોય ત્યાં કપૂર અને અજમો મિક્સ કરી કપડાંની નાની પોટલી બનાવી રાખવાથી માંકડ દૂર થશે. રેડિયાના લેધર કવરમાં ટેલકમ પાવડર છાંટવાથી તેમાં ફૂગ થશે નહીં. રેઈનકોટ-છત્રીમાં ટેલકમ પાવડર છાંટીને સંકેલવાથી તેની ઘડી ચોટશે નહિ.
શો-કેસમાં રાખવાની પિત્તળની વસ્તુ ઉપર ખાવાનો ગોળ લપેટીને તેના ઉપર વાસણ ઊંટકવાનો પાવડર લગાવવો અને કોરા કપડાંથી ઘસીને લૂછી નાંખવું. વાસણ ચમકી ઊઠશે અને છ માસ સુધી ઊંટકવાથી જરૂર નહિ પડે. (પાણીનો ઉપયોગ કરવો નહિ.
આંજણ પ્રસરી જાય એવું ઢીલું થઈ ગયું હોય તો ફ્રીજમાં રાખવું. નેઈલ પોલીશ જામી ગઈ હોય તો તેમાં ત્રણ ટીપાં સ્પીરીટ ઉમેરવું. ફરીથી વાપરવા યોગ્ય થઈ જશે. ઊનના કપડામાં લવીંગ રાખવાથી આખું વર્ષ જીવાત રહિત રહી શકશે.
વાળ કાળા કર્યા પછી હાથ કાળા અને ભટ્ટા થઈ જાય તો લીંબુની છાલ ડો ઘસીને હાથ સાફ કરી નાંખો. હાથ તરત સાફ થઈ જશે. કોઈ પણ જાતનાં શાકનો રસ ઘણીવાર પાતળો બની જાય છે. એ રસને ઘટ્ટ બનાવવા માટે એક ચમચી ઘી કે માખણમાં એક ચમચો મેંદો શેકી નાંખો. સહેજ બ્રાઉન જેવું થાય કે એ પાતળા શાકમાં નાંખી દો. એનાથી રસ એકદમ ઘટ્ટ થઈ જશે. સૂકા ચણા, વટાણા, તેમજ બીજાં કઠોળને પાણીમાં બાફવા માટે મૂકો ત્યારે એમાં ત્રણ ચાર ટીપાં કોપરેલ નાંખી દેવાથી જલ્દી બફાઈ જશે.
બટાકાને બાફ્યા પછી એના વધેલા પાણીથી સોનાના ઘરેણાં ધોવાથી ઘરેલાં એકદમ ચમકી ઊઠશે. બુશશર્ટના કોલર અને કફનો મેલ કાઢવા માટે એની પર ટેલ્કમ પાવડર લગાવીને રાતે મૂકી દો અને સવારે ધોઈ નાંખો. બધો મેલ તરત નીકળી ઇ જશે.
ભાત એકદમ ફૂલેલા અને સફેદ બનાવવા માટે બાફતી વખતે એમાં એક લીંબુનો રસ નાંખી દો. ભાતની આખી રોનક બદલાઈ જશે. માખણ કાઢવા માટે તમે જે મલાઈ ભેગી કરતા હોવ એ ફ્રીજને બદલે ‘ડીપફ્રીજ’માં મૂકો. વીસ પચ્ચીસ દિવસ સુધી તાજી રહેશે.
લીલાં મરચામાં પીસેલી હળદર મેળવીને કાચની બાટલી કે બરણીમાં બંધ કરીને ઠંડી જગ્યાએ મૂકી રાખશો તો મરચાં વધુ દિવસો સુધી એવા ને એવા તાજાં રહેશે. કોઈ પણ શાક ને દાળમાં મીઠું કે પાણી વધારે પડી ગયું હોય તો એમાં બ્રેડનો ચૂરો નાંખી દો.