સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પ્રાંગણ ને અડીને જ એક આધુનિક ભોજનાલય બની રહ્યું છે. આ માટેનો અંદાજિત ખર્ચ 40 કરોડ રૂપિયા છે. આ ભોજનાલયનું બાંધકામ 2 લાખ 30 હજાર સ્ક્વેર ફૂટમાં થશે. આ બાંધકામ માટે 12 લાખ જેટલી ઈંટોનો ઉપયોગ થશે. આ ઇંટોની સેવા ગાંધીનગરના ભરતભાઈ પ્રજાપતિ આપવાના છે.
જ્યારે મંદિરના સંતોએ આર્કિટેક્ટ પાસે એસ્ટિમેટ કઢાવ્યું ત્યારે આર્કિટેક્ટે જણાવ્યું કે આ ભોજનાલય માં લાખો ઈટ વપરાશે. છતાં પણ ભરતભાઈએ હર્ષભેર તમામ ઈંટોની સેવા તે ખુદ આપશે તેવો નિર્ધાર કર્યો હતો. વર્તમાન સમયમાં 50 થી વધુ કારીગરો ઇંટો બનાવી રહ્યા છે અને 2 મહિના જેટલા સમયગાળામાં તમામ ઇંટો તૈયાર થઈ જશે.
આ ભોજનાલય ખૂબ જ વિશેષ છે અને અંદાજે 7 વિઘામાં ફેલાયેલું છે. ભોજનાલયનું એલિવેશન ઇન્ડો-રોમન સ્ટાઇલથી ડિઝાઈન કરવામાં આવ્યું છે અને મંદિર માંથી સીધા ભોજનાલય તરફ જઇ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વૃધ્ધો અને દિવ્યાંગ લોકો માટે બે એસ્કેલેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ પ્રકારની કેવિટી વોલ ભોજનાલયના અંદરના તાપમાનને ઠંડું રાખવામાં મદદ કરશે.
રસોઈ બનાવવા માટે પણ મંદિરમાં ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ હાઈટેક કિચનમાં અગ્નિ કે ઈલેક્ટ્રિસિટીનો ડાયરેક્ટ ઉપયોગ થશે નહીં અને ઓઇલ બેસ્ડ ટેક્નોલોજીથી રસોઈ તૈયાર કરવામાં આવશે. આ ટેક્નોલોજી માં કિચન ની બહાર એક ગરમ ઓઇલટેન્ક હોય છે. જેમાંથી ગરમ ઓઇલ કિચનમાં આવે છે અને ડબલ લેયરના ફિક્સ વાસણોની વચ્ચે અંદરની સાઇડ ફરતું રહે છે. જેને લીધે વાસણ ગરમ થાય છે. આમ કોઈ આગ કે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડતી નથી.