અનાનસ ની ગણના ઉષ્ણકટિબંધીય પ્રદેશ નાં પાંચ શ્રેષ્ઠ ફળોમાં થાય છે. મૂળ તે અમેરીકાનું વતની છે. ત્યાંથી ફિરંગીઓ તેનો છોડ પ્રથમ ભારતમાં લાવ્યા છે. અનાનાસ રેતાળ અને ભાઠાની જમીન અનુકૂળ આવે છે. સારી રીતે પાણી વહી શકે તેવી જમીન તેને વધુ માફક આવે છે. દરિયાકિનારાની ખુલ્લી જમીન અથવા બેટની જમીન પણ તેને માફક આવે છે. તેને દરિયાકિનારા નું હવામાન ખૂબ માફક આવે છે.
અનાનસના છોડને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ફળ આવવા માંડે છે અને જુલાઈ ઓગસ્ટ માસમાં ફળ પાકીને તૈયાર થાય છે. ફળો ઉતાર્યા પછી તેને પકવવામાં આવે છે. અનનાસ કાચું હોય ત્યારે રંગે લીલું હોય છે. પાકવા આવે ત્યારે લીલા રંગમાં ભૂરી છાંટ દેખાવા લાગે છે. પછી સહેજ પીળા થતા પાક માંથી કાઢી લેવામાં આવે છે. તેનાં પાકાં ફળનો રંગ રતાશ પડતો પીળો હોય છે. તેનાં ફળ શેર-દોઢ શેરથી માંડીને ચાર-પાંચ શેર સુધીનાં થાય છે.
અનનાસ માં જીરું, મીઠું અને ખાંડ નાખીને ખાવાથી સરસ લાગે છે. તેનો મુરબ્બો પણ સારો થાય છે. તેના ફળ ના છોલેલા ચકતાંનો ચાસણીમાં હવા ન લાગે તેવી રીતે ડબ્બામાં પૅક કરી રાખી મૂકવાથી તે લાંબા સમય સુધી ટકે છે. તેના છોડનાં પાનમાંથી મજબૂત અને ટકાઉ દોરડા બને છે. તેનાં પાન માંથી બનાવેલું ત્રણેક ઇંચના ઘેરાવાવાળા દોરડું સત્તર વંદ્રવેટ અર્થાત્ સાડી સુડતાળીસ મણ વજન ઊંચકી શકે છે. વળી તેના પાનમાંથી એક જાતનું કાપડ પણ બને છે. આમ તેનાં પાન ઘણા કામમાં આવે છે. પાન પણ ફળ જેટલાં જ ગુણકારી અને ઉપયોગી છે.
અનાનસ ના લક્ષણો
પાકું અનાનસ સ્વાદિષ્ટ (ખટમીઠું), મૂત્રલ, કૃમિઘ્ન અને પિત્ત શામક છે. એ રસવિાર તથા સૂર્યની ગરમીથી થનારા દોષોને દૂર કરનાર છે. એ લૂ લાગવા જેવા ગરમીના વિકારોને દૂર કરે છે. અનનાસ નું ફળ કૃમિનો નાશ કરે છે અને પેટમાં વાળ ગયો હોય ત્યારે તે તેનાથી થતી પીડાને દૂર કરે છે. ઉપરાંત અનનાસ ઉદર વ્યાધિ, પ્લીહા વૃદ્ધિ, કમળો, પાંડુરોગ વગેરેને મટાડે છે.કાચું અનનાસ રુચિકર, હૃદ, ગુરૂ, કફ પિત્ત કારક, ગ્લાનિનાશક અને શ્રમનાશક છે.
અનાનસ ના ફાયદા
પાકા અનનાસ ઉપરની છીલકા વાળી છાલ તથા વચ્ચેનો કઠણ ભાગ કાઢી નાખી, ફળના પાતળા નાના નાના કકડા કરી, એક દિવસ ચૂનાના પાણીમાં રાખી મૂકવા. બીજે દિવસે તેને ચૂનાના પાણીમાંથી કાઢી લઈ કોરા કરવા. પછી ખાંડની એક તારી ચાસણી બનાવી તેમાં નાખી દેવા. ત્યાર પછી નીચે ઉતારી ઠંડું થય તેમાં થોડી એલચી વાટીને તથા થોડું ગુલાબ જળ નાખી મુરબ્બો બનાવવો. આ મુરબ્બો પિત્ત (ગરમી) નું શમન કરે છે અને મનને પ્રસન્ન કરે છે. પાકા અનનાસ ના નાના નાના કકડા કરી, કચેરી તેનો રસ કાઢવા. પછી રસથી બમણી ખાંડ લઈ તેની ચાસણી બનાવી, તેમાં અનાનસનો રસ નાખી શરબત બનાવવું. આ શરબત પિત્ત (ગરમી) નું શમન કરે છે, હૃદયને બળ આપે છે અને મનને પ્રસન્ન કરે છે. અનનાસ ના ફળનો રસ મધ સાથે લેવાથી પરસેવો છૂટી તાવ ઉતરે છે. અનાનસ ખાવાથી પિત્ત શાંત થાય છે. પિત્ત થી પીડાતા દર્દીઓ માટે તેનું ઉત્તમ છે.
પુરુષો અને મહિલાઓમાં પ્રજનન ક્ષમતા વધારવા માટે પણ અનાનસ એક સારો ઉપાય છે. અનાનસના રસમાં વિટામીન ‘સી’ બીટા કેરોટીન, તાંબુ, જસ્ત અને ફોલેટ સહીત ઘણા લાભદાયક વિટામીન અને ખનીજ હોય છે. તેનાથી પુરુષો અને મહિલાઓ બંનેની પ્રજનન ક્ષમતાને વધારવામાં મદદ કરી શકે છે.અનાનસનો રસ પીવાથી કંઠ રોહિણી(ડિથેરિયા)માં ફાયદો થાય છે એવો આયુર્વેદાચાર્ય પંડિત ચતુરસેન શાસ્ત્રીનો અનુભવ છે.તેના પેટમાં કૃમિ(કરમિયા)થયા હોય તેને અનનાસ ખાવા આપવાથી એક અઠવાડિયામાં કરમિયા નું પાણી થઈ જાય છે. આથી બાળકો માટે અનનાસ ઉત્તમ ફળ છે.
અનનાસ પર મરી તથા સાકર ભભરાવીને ખાવાથી અમ્લપિત્ત મટે છે. પાકા અનનાસ ના નાના નાના કકડા કરી તેની ઉપર મરી અને સિંધવની ભૂકી ભભરાવીને ખાવાથી અજીર્ણ મટે છે.પાકાં અનનાસ ના નાના નાના કકડા કરી તેની ઉપર પીપરનું ચૂર્ણ ભભરાવીને ખાવાથી બહુમૂત્ર રોગ મટે છે.પાકેલા અનનાસ ની છાલ અને તેની અંદરના કઠણ ભાગ કાઢી નાખી બાકીના ભાગનો રસ કાઢી, તેમાં જીરું, જાયફળ, પીપર અને સંચળ ની ભૂકી તથા સહેજ અંબર નાખીને પીવાથી બહુમૂત્ર રોગ મટે છે.