દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, વાહનોના પ્રદૂષણને કાબૂમાં લેવા માટે ‘રેડ લાઈટ શરૂ, ગાડી બંધ’ ઝુંબેશને વધુ 15 દિવસ સુધી લંબાવવામાં આવશે. આ અંગે માહિતી આપતાં દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે મંગળવારે જણાવ્યું હતું કે 18 નવેમ્બરે સમાપ્ત થનારી ‘રેડ લાઈટ શરૂ, ગાડી બંધ’ અભિયાનને વધુ 15 દિવસ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અભિયાનનો બીજો તબક્કો 19 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી ચાલશે. ગોપાલ રાયે જણાવ્યું હતું કે પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, હરિયાણા અધિકારીઓ સાથે આજે યોજાયેલી બેઠકમાં, દિલ્હી સરકારે વર્ક ફ્રોમ હોમ પધ્ધતિથી કામ કરવાની દરખાસ્ત કરી હતી અને કહ્યું હતું કે બાંધકામ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર પણ બંધ થવો જોઈએ.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલા તેના સોગંદનામામાં કહ્યું છે કે દિલ્હીએ પ્રદૂષણમાં 4% ફાળો આપ્યો છે અને તે જ એફિડેવિટમાં અન્ય જગ્યાએ કહ્યું છે કે દિલ્લી એ 35-40% યોગદાન આપ્યું છે. આ બે યોગ્ય ન હોઈ શકે. અમે કેન્દ્રીય મંત્રીને આ અંગે સ્પષ્ટતા કરવા વિનંતી કરીએ છીએ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોને વિનંતી કરી હતી કે તેઓ અઠવાડિયામાં એક વખત વાહનોનો ઉપયોગ બંધ કરે અને લાલ બત્તીઓ પર વાહનએન્જિન બંધ કરીને શહેરમાં પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે.