જૂનાગઢ ફરવા જવા માટે શ્રેષ્ઠ છે કેમ કે અહીં તમને મળશે જોવા ગરવો ગિરનાર,કિલ્લો, જંગલ અને જંગલમાં ગીરનો રાજા કેશરી આ ઉપરાંત જૂનાગઢમાં ફરવા માટે જે સ્થળ છે જેને જોઈને તમને કેરળની યાદ આવી જશે.
ગુજરાતીઓના ફરવાના ખૂબ શોખ વિશે તો સૌ કોઈ જાણે છે. ગુજરાતમાં ફરવાની વાત આવે તરત સૌ કોઈના મોઢા પર એક વખત તો જૂનાગઢનું નામ આવી જ જાય. અહીંનો ગિરનાર પર્વત અને ઉપરકોટનો કિલ્લો જેવા ઘણા પ્રવાસન સ્થળો દરવર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષતા હોય છે. આ બધા વચ્ચે જૂનાગઢમાં એક સુંદર હરિયાળી જગ્યા આવેલી છે. આ જગ્યાની આહલાદક સુંદરતા જોઈને તમને કેરળની યાદ આવી જશે.
જૂનાગઢ શહેરથી માત્ર 3 કિમી દૂર વિલિંગડન ડેમ આવેલો છે. આખા શહેરના લોકોને પીવાનું પાણી પુરુ પાડતા વિલિંગડન ડેમની સુંદરતા તમારું મન મોહી લેશે. ચારેયા બાજુ લીલોતરી અને પહાડોથી ઘેરાયેલો આ ડેમ તમને મનની શાંતિનો અનુભવ કરાવશે.
વિલિંગડન ડેમ કાળવા નદી પર બાંધવામાં આવ્યો છે. આ ડેમનું નામ તે સમયના ગવર્નર લોર્ડ વિલિંગડનના નામથી આપવામાં આવ્યું હતું.ડેમની નજીક 2779 ફૂટ (847 મીટર) ઊંચા પગથીયા છે. જે જમીયલ શાહ દાતારના પ્રસિદ્ધ મંદિર સુધી જાય છે. આ મંદિરમાં હિંદુ અને મુસ્લિમ બંને ભક્તો અપાર શ્રદ્ધા ધરાવે છે.
પાણીથી ભરેલા વિલિંગડન ડેમની આસપાસ ચારેય તરફની હરિયાળી અને ઉંચા પહાડો છે અને ચોમાસાની સીઝન દરમિયાન તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. અહીં પિકનિક માટે ઘણા લોકો આવતા હોય છે.
ઉપરાંત અહીંથી નિકટમાં સક્કરબાગ મ્યુઝિયમ અને ઝૂ, દરબાર હોલ મ્યુઝિયમ, ગિરનાર પર્વત સહિતના ઘણા ફરવા લાયક સ્થળો આવેલા છે. જો તમે પણ થોડા સમયમાં ગિરનાર કે જૂનાગઢ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ જગ્યાએ અચૂક મૂલાકાત લઈ શકો છો.