દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા ઓમીક્રોન વેરિએન્ટ એ ફરી એકવાર વિશ્વભરમાં ચિંતા વ્યક્ત કરી છે. રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પહેલેથી જ ચેતવણી આપી દીધી છે કે જ્યાં સુધી વિશ્વની મોટાભાગની વસ્તીને રસી આપવામાં નહીં આવે ત્યાં સુધી ચેપ લાગવાનું જોખમ રહેશે.
ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં હજુ પણ રસીના પ્રથમ અને બીજા ડોઝની રાહ જોવાઈ રહી છે. જ્યારે ઇઝરાયલ તેના લોકોને ચોથો ડોઝ આપવા જઈ રહ્યું છે. ઇઝરાયલ વિશ્વનો પહેલો દેશ હતો જેણે સૌથી પહેલા તેના નાગરિકોને કોરોના સામે રસીનો બુસ્ટર ડોઝ આપ્યો હતો. અને હવે રસીનો ચોથો ડોઝ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ સાથે ઇઝરાયલ વિશ્વનો પહેલો એવો દેશ બનશે જ્યાં ચોથો ડોઝ આપવામાં આવશે.
ઇઝરાયલના વડા પ્રધાન નફ્તાલી બેનેટે ચોથો ડોઝ આપવાની જાહેરાત કરી છે. તેમણે મંગળવારે માહિતી આપી હતી કે ચોથો ડોઝ હવે વૃદ્ધો અને 60 વર્ષથી વધુ વયના લોકોને અને ગંભીર રોગોથી પીડાતા લોકોને આપવામાં આવશે.
ઇઝરાયલ માં ઓમીક્રોનથી વિનાશ પણ થઈ રહ્યો છે. નવા વેરિએન્ટમાંથી પહેલું મૃત્યુ પણ અહીં થયું છે. ઇઝરાયલના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓમીક્રોનનો ચેપ લાગ્યા બાદ બે અઠવાડિયા પહેલા દાખલ કરાયેલા 60 વર્ષીય વ્યક્તિનું દક્ષિણી શહેર બિરશેબાની સોરોકા હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. વૃદ્ધ પહેલેથી જ વિવિધ રોગોથી પીડાતા હોવાના અહેવાલ છે.
ઓમીક્રોનની ચેતવણી પછી ઇઝરાયલ એ દેશોમાં સામેલ છે જેમણે પ્રથમ હવાઈ મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે તે પછી પણ અહીં ઓમીક્રોનનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા દેશને સંબોધતા પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટ એ કહ્યું હતું કે દેશમાં કોરોનાની 5મી લહેર શરૂ થઈ ગઈ છે.